Saturday, 16 April 2016

Jai Swaminarayan

                                    JAI SWAMINARAYAN

“ જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિનાં કાર્ય જે ચોવીસ તત્ત્વ તે સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિપુરુષ પણ અક્ષરબ્રહ્મના તેજમાં અદ્રશ્ય થઈ જાય છે અને પછી એકલું સચ્ચિદાનંદ (ચિદ્‍ઘન) જે તેજ તે રહે છે અને તે તેજને વિષે દિવ્યમૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે. અને તે જ પોતે દિવ્યમૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિષે સર્વ જનને નયનગોચર થકા વિચરે છે. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે, પણ એ માયિક ગુણે યુક્ત નથી; એ તો સદા ગુણાતીત દિવ્યમૂર્તિ જ છે. અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને જે વેદાંતશાસ્ત્ર છે તે નિર્ગુણ, અછેદ્ય, અભેદ્ય, સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે તે જીવની બુદ્ધિમાંથી માયિકભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. અને એ ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિ, અને પ્રલય એ સર્વે કાળને વિષે એકરૂપે કરીને જ વિરાજમાન છે, પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી; સદા દિવ્યરૂપે કરીને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિષે જે દ્રઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે, પિંડ-બ્રહ્માંડનો તથા પ્રકૃતિપુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે, તે મૂર્તિને સ્થાવર-જંગમસર્વે આકારને વિષે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહીં. એ સિદ્ધદશાનું લક્ષણ છે.”
॥ વચનામૃત કારિયાણી ૭ ॥

No comments:

Post a Comment