Saturday, 16 April 2016

Jai Swaminarayan

                           JAI SWAMINARAYAN


શ્રી પંચાળા પ્રકરણ
માનીપણું અને નિર્માનીપણું ક્યાં સારું?
સંવત 1877 ના ફાગણ વદિ 8 અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી।
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, "કયે ઠેકાણે માન સારું છે ને કયે ઠેકાણે સારું નથી? ને કયે ઠેકાણે નિર્માનીપણું સારું છે ને કયે ઠેકાણે સારું નથી? "પછી શ્રીજીમહારાજ બોલ્યા જે," જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય, તેની આગળ તો માન રાખવું તે જ સારું છે અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થવું નહીં તે જ રૂડું છે। અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી ને તેની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે। "
.. વચનામૃત પંચાળા 5 .. 131 ..

Jai Swaminarayan

                                JAI SWAMINARAYAN


પ્રમુખ ચરીતમ
-----------------------------
આજે પણ એક અમીટ છાપ તે વખતની પડેલી છે. તે હજુ આંખ સામે જેમ છે તેમ તરવરે છે................ ૧૯૫૯માં યોગીજી મહારાજની સાથે મારે સેવામાં આફ્રિકા જવાનું થયું હતું. તે વખતે હું સંતોની રસોઈ કરતો. તેમાં સંતમંડળ આખું મોળી રસોઈની રુચિવાળું હતું. યોગીજી મહારાજને મોળું ને ફીક્કું જમવાનું જોઈએ. તેલ-મસાલાનો તમતમાટ તેમને ફાવતો નહીં. સંતસ્વામી ને બાલમુકુંદ સ્વામી પણ મોળું જ જમતા. રહ્યા એક પ્રમુખસ્વામી મહારાજ. તેઓ તીખું જમી શકતા ને તીખું હોય તો તેમને રુચે. પણ ૯ મહિના સુધી જે સર્વ સામાન્ય રસોઈ મને આવડે તેવી હું બનાવતો. કારણ, હું પણ શીખાઉ હતો. પરંતુ ક્યારેય પ્રમુખસ્વામી મહારાજે રસોઈ અંગે ટકોર કરી નથી. રસોઈમાં ભૂલ થવાનો સંભવ હતો પણ એમણે ક્યારેય સૂચન કર્યું નથી કે 'આમ હતું કે તેમ હતું.' અથવા 'આમ કરવું કે તેમ કરવું.' તેમજ કોઈ વસ્તુ બનાવવાનું નાનું અમથું સૂચન પણ નહિ. પત્તરમાં જે પીરસીએ તે તેઓ નતમસ્તકે મહારાજને સંભારીને જમી જતા. ત્યારે પ્રથમ પરિચય થયો કે આ વિભૂતિ સ્વાદથી પર છે..................
----------------------------
પુ. ઈશ્વરચરણ સ્વામી

Jai Swaminarayan

                                JAI SWAMINARAYAN


મન, ઇન્દ્રિયુંને વગર પ્રયોજને( કારણે) ચાળા ચૂંથવાનો ( બિનજરૂરી ક્રિયાઓ.....નાટક) ) સ્વભાવ છે, માટે તેને જાણીને જુદા પડવું......................( પોતાને દેહ નહિ ..આત્મારૂપ માનવું)
સ્પર્શમાં ને જિહ્‌વામાં( જીભમાં) તો જીવ ચોંટેલા જ છે, માટે તેને જાણવું કે કોઈ નહિ ચોંટતા( જેને વિષયો-સ્વાદમાં રસ ) હોય તેને પૂર્વેનો સંસ્કાર છે ને .............આ માર્ગ તો નેવાનું પાણી મોભે ચડાવ્યા જેવો છે...................
-----------------------------
અક્ષર વચનો- ૫/૫૧-૫૨
જે જીવ મન ને કાબુમાં રાખી શકે છે.....તે ઇન્દ્રિયો ને કાબુ માં રાખી શકે છે.......પોતે દેહ નથી પણ આત્મા છે....એવું સાંખ્ય સિદ્ધ કરી શકે છે.....અને વળી આવું કરવું એ અતિ અઘરું છે...નેવાનું પાણી મોભે ચડાવ્યા જેવું અઘરું છે.......સ્વામી કહે છે એમ....
--- જો જીવ આવું કરી શકે તો- કા તો એના પૂર્વ ના સંસ્કાર હોય તો થાય...
--- કાં તો મોટા પુરુષ ની આજ્ઞા માં રહે તો થાય......
માટે- આપણા માટે હવે શક્ય અને સહજ માર્ગ.....કલ્યાણ નો માર્ગ એક જ.....સત્પુરુષને ઓળખવા....સમજવા અને જીવમાં દ્રઢ કરી એમને રાજી કરી લેવા......!
સત્પુરુષ જ પ્રગટ પ્રમાણ અવિનાશી......શ્રીજી ની પ્રાપ્તિ કરાવશે......અને આ જન્મોજન્મના ચક્કર છૂટશે.....
જય સ્વામિનારાયણ..........સર્વે ને સુપ્રભાતમ......

Jai Swaminarayan

                             JAI SWAMINARAYAN


વણથલીના કલ્યાણભાઇને સંકલ્પઃ “ મહારાજ અહીં ચમત્કાર બતાવે તો ઘણા સત્સંગી થાય ” .એકવાર મહારાજ વણથલી પધાર્યા અને તેમને ત્યાં ઘરે સભા ભરી. ત્યાં ગામના આગેવાનો પણ આવેલા અને ખૂબ કથા વાર્તા કરી, મહારાજે કહ્યું “ સહુએ ભગવાન ભજવા ” . કણબી એ કહ્યું કે દાણા કોણ આપે ? નહીતર આખો દિવસ ભક્તિ કરીએ. મહારાજે કહ્યું કલ્યાણજી ! પેલી કોઠીનું સાણું ઉઘાડો .કલ્યાણજી કહે મહારાજ કોઠીમાં કાંઇ નથી, જીવ જંતુ ના જાય એટલે સાણું બંધ છે , પણ શ્રીહરિએ પરાણે ઉઘડાવ્યું, ત્યાતો બાજરાનો ઢગલો થયો . શ્રીહરિએ કહ્યું બાજરો અમે આપશું તમારે જોઇએ તેટલો લઇ જાવ. આગેવાનો એ કહ્યું સ્વામિનારાયણ, તમારા નિયમ, ભક્તિ અમારાથી ન થાય ત્યારે શ્રીહરિ એ કહ્યું “ કલ્યાણજી ! આ બાજરો નહિ ખુટે, હવે સંતોનુ સદાવ્રત તમારે ત્યાં; કલ્યાણજી ! ચમત્કારથી કોઇ સત્સંગી થતું નથી ”. (શ્રીહરિચરિત્રચિંતામણિ ૧/૧૭૫ )
⊍ જય સ્વામિનારાયણ ⊍

Jai Swaminarayan

                               JAI SWAMINARAYAN


પ્રમુખ ચરિતમ
-----------------------
સ્વામીશ્રીની સન્નિધિમાં ભક્તોને આનંદ મળે તે માટે કાર્યકરોએ કલકત્તાથી ૨૫ કિ.મી. દૂર જોયલેન્ડમાં પર્યટનનું આયોજન કર્યું હતું. ઉતારા માટે મકાનની ઓસરીમાં સ્વામીશ્રીનું આસન ગોઠવ્યું ને સામે ખુલ્લામાં હરિભક્તો બેઠા હતા. સંતો કીર્તનો ગાતા હતા. શરૂઆતમાં તો ઠંડક હતી પણ જેમ જેમ સૂર્ય ચડતો ગયો તેમ તેમ તડકો આવવા લાગ્યો. સ્વામીશ્રી છાયામાં બિરાજ્યા હતા પણ ભક્તો ઉપરનો તડકો તેમને આકરો લાગતો હતો. કૃષ્ણપ્રિય સ્વામીએ એ સમયે કીર્તન ગાયું 'સૌને શીતલ છાંયલડી યોગીબાપા દેતા...' તે સાંભળી સ્વામીશ્રી મરક મરક હસતા હતા. એક કાર્યકરને બોલાવીને કહ્યું : 'જ્યાં છાંયો હોય ત્યાં સભાની વ્યવસ્થા કરો.' એટલે સભાનું સ્થળાંતર કર્યું. સ્વામીશ્રીએ આશીર્વાદમાં હળવી રમૂજ કરતાં કહ્યું કે 'ઘરમાં આગ લાગી તો જંગલમાં ગયો તો ત્યાં પણ આગ લાગી. તેમ તમે આનંદ માણવા ઘેરથી પિકનિક માટે આવ્યા તો અહીં પણ તડકો આવ્યો! કલકત્તામાં ગમે ત્યારે ઇલેકટ્રીક કરંટ બંધ થઈ જાય ને મુશ્કેલી થાય તેમ જીવનમાં અગવડ સગવડ થયા કરે પણ આપણે આનંદમાં રહેવું.' આ ગમ્મત નહોતી એમના જીવનનો અર્ક હતો. અનેક વખત એ જોયું-અનુભવ્યું છે.......
મહારાષ્ટ્રમાં વિચરણ દરમ્યાન સ્વામીશ્રી ચંદ્રપુરથી નાગપુર જઈ રહ્યા હતા. સ્વામીશ્રી કૉન્ટેસા મોટરમાં બિરાજ્યા હતા. થોડી જ ક્ષણોમાં સ્વામીશ્રીએ ડ્રાઈવર સાથે આત્મીયતા સાધી લીધી. સ્વામીશ્રી જેવા મહાપુરુષ સાથે વાર્તાલાપ કરતાં ડ્રાઈવર ખૂબ ઉત્સાહમાં આવી ગયો. તેને જે કાંઈ શાસ્ત્રોનું જ્ઞાન હતું તેની કથા તેણે કરવા માંડી. સ્વામીશ્રી સાંભળવા લાગ્યા. ડ્રાઇવરે રામાયણની ચોપાઈ, મહાભારતના પ્રસંગો કહ્યા. સ્વામીશ્રી તેના ઉત્તમ શ્રોતા બન્યા! એક ડ્રાઈવરની કથા સાંભળતાં સ્વામીશ્રી ડોલતા હતા! કેટલી નમ્રતા હોય ત્યારે જ આ શક્ય બને. પછી સ્વામીશ્રીએ તેને વ્યાવહારિક બાબતો અંગે પૂછ્યું
ત્યારે તેણે પોતાની આંતરવ્યથા ઠાલવી ને હળવાશ અનુભવી. તેમની દીકરીના ઑપરેશનમાં મદદરૂપ
થવા જણાવ્યું. આવા અજાણ્યા અને નાનામાં નાના માણસની પણ સંભાળ સ્વામીશ્રીની સમદર્શિતાની જ દ્યોતક છે.............
ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યતાથી, અભૂતપૂર્વ રીતે ઊજવાયા, બીજાં અનેકવિધ સામાજિક કાર્યો કર્યાં છતાં સ્વામીશ્રી અકર્તા! જાણે કાંઈ કરતા જ નથી એ રીતે વર્તે છે જે મહાન સિદ્ધિ છે..........
લંડનમાં ઉજવાયેલ C.F.I. પ્રસંગે સ્વામીશ્રીની તુલાવિધિનો ભવ્ય કાર્યક્રમ થયો, તેમાં તેઓના ગુણો અને અનંત કાર્યોની ગરિમા સૌએ ભક્તિ ભાવથી ગાઈ, પણ તેમને જ્યારે આશીર્વાદ આપવાનો વારો આવ્યો ત્યારે તેમણે ભાર આપીને જણાવ્યું કે 'મારાથી કંઈ જ બને તેમ નથી. જે કાંઈ કાર્ય થાય છે તે ભગવાન સ્વામિનારાયણની કૃપા અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના આશીર્વાદથી જ થાય છે.' આમ દેશ, પરદેશમાં સત્સંગ વિકાસ માટે પોતાના દેહને ઘસી નાંખતા હોવા છતાં પોતે કાંઈ જ કરતા નથી એમ જણાવે છે. કર્તાપણાના ભાવથી આવી રીતે તદ્દન મુક્ત રહેવું એ તો ગુણાતીત મહાપુરુષનું જ કામ..............!
-----------------------------
પુ. ભક્તિપ્રિયસ્વામી ( કોઠારી સ્વામી)

Jai Swaminarayan

                           JAI SWAMINARAYAN

જાગૃતિનાપ્રહરી
અલ્પાહાર વખતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સામયિક 'સ્વામિનાનારાયણપ્રકાશ'નું વાંચન થતું હતું. એમાં ઇન્ટરનેટ વિશે લખાયેલા લેખનું મથાળું વંચાયું. 'ઇન્ટરનેટની ભયંકરતા' સાંભળી સ્વામીશ્રી ઝીણી આંખ કરી કટાક્ષ કરતાં કહે, 'એમ ? ભયંકરતા હતી તો ઇન્ટરનેટ શું કરવા શોધ્યું? લોકો ભયંકરતા સમજે છે છતાં બનાવે છે! ટી.વી. બનાવતાં વિચાર ન કર્યો. આ ટી.વી. કરતાં હજારગણું ભયંકર છે. વ્યસનમાત્ર ખરાબ છે, પરંતુ પહેલેથી વિચાર કરતા નથી ને પછી...'
'...પછીપ્રતિબંધ મૂકવાનો વિચાર કરે છે.' એક સાધુએ વાક્ય પૂરું કર્યું.
સ્વામીશ્રી આક્રોશ ઠાલવતાં કહે,પ્રતિબંધ મૂક્યે શું થાય? પહેલેથી જ બંધ કરવું જોઈએ ને !' (તા. ૯-૬-૯૯, મુંબઈ)

Jai Swaminarayan

                                JAI SWAMINARAYAN


શ્રી ગઢડા મધ્ય પ્રકરણ
બ્રહ્મસ્વરૂપ પ્રીતિનું
સંવત 1880 ના પોષ સુદિ 4 ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી અયોધ્યાવાસીને ઘેર ગાદીતકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોદા લઈને કીર્તન ગાવતા હતા।
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "લ્યો, પ્રશ્ન-ઉત્તર કરીએ।" એમ કહીને શ્રીજીમહારાજે પૂછ્યું જે, "જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય, અને તેને વિષે વૈરાગ્યરૂપ જે સત્ત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્યસમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેનેભગવાનને વિષે પ્રીતિ હોય કે ન હોય? એ પ્રશ્ન છે। "
પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, "જે સત્તારૂપે વર્તે તેને ભગવાનને વિષે પ્રીતિ તો હોય।"
ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું જે, "સત્તારૂપે રહ્યો એવો જે એ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ છે તે આત્માને સજાતિ છે કે વિજાતિ છે?"
પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, "એ પ્રીતિ તો આત્માને સજાતિ છે।"
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "મધ્વાચાર્ય, નિંબાર્ક ને વલ્લભાચાર્ય એમણે આત્મારૂપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મસ્વરૂપ કહી છે। માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિષે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મસ્વરૂપ છે, એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે। "